સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા
(જી.એન.એસ) તા. 25
નવી દિલ્હી,
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા. દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ સેલરી પેકેજ (CAPSP) હેઠળ સેવા આપતા અને નિવૃત્ત CISF કર્મચારીઓના પગાર ખાતાઓનું સંચાલન કરવા માટે આ કરાર કરવામાં આવ્યું છે. આ કરાર ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે. કરાર મુજબ હવે CISFના જવાનોને અનેક વધારાના નાણાકીય લાભો મળશે.
CISF ના SBI સાથેનો આ કરાર ત્રણ વર્ષ માટે અમલમાં રહેશે. કરારમાં CISFના જવાનો માટે અનેક વધારાના નાણાકીય લાભોનો સમાવેશ થાય છે, જે CISF ના સભ્યોના કલ્યાણ અને નાણાકીય સુરક્ષા પ્રત્યેની સતત પ્રતિબદ્ધતામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ બનશે. કરાર મુજબ, પહેલા વ્યક્તિગત અકસ્માત વીમા હેઠળ 50 લાખ રૂપિયા ઉપલબ્ધ હતા, હવે તે વધારીને 1 કરોડ રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે હવાઈ અકસ્માતની રકમ 1 કરોડ રૂપિયાથી વધારીને 1.5 કરોડ રૂપિયા કરવામાં આવી છે. કાયમી કુલ વિકલાંગતા કવર 50 લાખ રૂપિયાથી વધારીને 1 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. કાયમી આંશિક અપંગતા કવર પણ 50 લાખ રૂપિયાથી વધારીને 1 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.
સાથેજ નિવૃત્ત કર્મચારીઓને આપવામાં આવતા લાભોમાં વધારો કરવામાં આવ્યો છે. પેન્શનરને હવે વ્યક્તિગત અકસ્માત વીમા (PAI) હેઠળ 30 લાખ રૂપિયાને બદલે 50 લાખ રૂપિયા મળશે. આ ઉપરાંત, ઝીરો બેલેન્સ એકાઉન્ટની સુવિધા, કોઈપણ વાર્ષિક જાળવણી શુલ્ક વિના મફત ડેબિટ કાર્ડ, SBI ATM પર અનલિમિટેડ ફ્રી ટ્રાન્ઝેક્શન અને અન્ય બેંકના ATM પર દર મહિને 10 ફ્રી ટ્રાન્ઝેક્શન, ડિમાન્ડ ડ્રાફ્ટ મફતમાં જારી કરવો, વૈકલ્પિક ઓટો સ્વીપ સુવિધા, વાર્ષિક લોકર ભાડા પર 10% ડિસ્કાઉન્ટ, જો વ્યક્તિગત અકસ્માત વીમા (મૃત્યુ) દાવો સ્વીકાર્ય જણાય, તો આકસ્મિક મૃત્યુના કિસ્સામાં લાગુ પડતું વધારાનું કવર સહિતના લાભો આપવામાં આવશે.
વધુમાં દરેક કર્મચારી માટે બર્ન્સના કિસ્સામાં પ્લાસ્ટિક સર્જરીનો ખર્ચ, બાળકોનું સ્નાતક સુધીનું મફત શિક્ષણ, દીકરીના લગ્ન માટે આર્થિક સહાય, મહત્તમ 10 લાખ રૂપિયા સુધી એર એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓ આપવામાં આવશે. આ સિવાય આ એમઓયુમાં ‘એસબીઆઈ રિશ્તે’ ફેમિલી સેવિંગ્સ એકાઉન્ટ પણ આવરી લેવામાં આવ્યું છે, જે સીઆઈએસએફ કર્મચારીઓના જીવનસાથી, બાળકો, માતા-પિતા અને ભાઈ-બહેનોને અનેક લાભો સાથે ચાર ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવા સક્ષમ બનાવશે.